Health is the first step in life.
યશવંતભાઇનો પ્રશ્ન વાજબી હતો. ‘મને ૬૪ વર્ષ થયાં છે. છેલ્લા પાંચ વર્ષથી વિધૂર છું. મારા બંને દીકરા યુ.એસ.એ. સેટલ્ડ છે. એકલતા તો છે જ. પણ એ ડિપ્રેશન નથી. જા કે ઘરે બેસી રહેવાનું વધારે મન થાય છે. એક પછી એક મિત્રોની આ દુનિયામાંથી વિદાય થઇ રહી છે. દીકરાઓ એમના બિઝી રૂટિનમાંથી સમય કાઢીને સ્કાઇપ પર વાત કરી લે છે. એક અજાણ્યું વેક્યુમ છે. આખો દિવસ ટી.વી. પર પૉલિટીક્સ જોઇ જોઇને હું જાણે એક એક્સપર્ટ થઇ ગયો છું. મારા પોતાના બહુ ઠેકાણા નથી ને ભારત દેશના ભવિષ્ય વિશે ચિંતા કર્યા કરું છું. સ્કૂલમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયો છું. ક્યારેક વળી કોઇ કાર્યક્રમમાં મને ‘ચીફ ગેસ્ટ' તરીકે આમંત્રણ મળે છે. શાલ ઓઢાડીને સન્માન થાય છે. પણ બધુ શુષ્ક લાગે છે. ભૂખ ઓછી થઇ ગઇ છે. ઇશ્વરની કૃપા છે કે હજુ બધા મેડિકલ રિપોર્ટસ નોર્મલ આવે છે. પણ ડાક્ટર, આ મનના એબનોર્મલ રિપોર્ટનું શું ?'
યશવંતભાઇની સમસ્યા હવે ઘણા વડિલોની વિસ્તૃત સમસ્યા બનતી જાય છે. એન.આર.આઇ. સંતાનના માતા-પિતાઓ અને નિવૃત્ત ઉંમરલાયક વડિલોને આવી નામ વગરની નાકે દમ લાવતી સમસ્યાઓ ઊભી થઇ ગઇ છે. કેટલાક લાઇફસ્ટાઇલ ચેન્જીસ સાયકોલોજીકલ અને સાયન્ટિફિક રીતે થાય તો પાછળનું જીવન ઘણું ક્વૉલિટીવાળું પસાર થતું હોય છે.
જેરીયાટ્રીક સાયકોલોજીના ક્ષેત્રમાં ૨,૨૮૬ વડિલો પર થયેલ એક સંશોધન મુજબ જા તમે ૬૦ વર્ષ પસાર કરી ચૂક્યા હો તો ઘરમાં કે કોઇ એકાંતમાં બેઠાડુ જીવન ગાળવાનું તમારા માટે ખતરનાક નિવડી શકે છે. આ ઉંમરે ડિસએબિલીટી થવાના ચાન્સ વધી જાય છે, પછી ભલે ને તમે દિવસમાં પંદરેક મિનિટ હળવી એક્સરસાઇઝ કરતા હો. વડિલોએ એક જ જગ્યાએ બેસી રહેવાની (કુ) ટેવથી બચવું જાઇએ. ખાસ કરીને જ્યારે ઘરમાં લાંબા સમય સુધી ટી.વી.ની સામે બેસી રહે છે ત્યારે પોતાને તો નુકશાન કરે જ છે, પરંતુ ઘરના બીજા સભ્યો ડિસ્ટર્બ થઇ શકે છે. વધુ પડતી પ્રવૃત્તિ ધરાવતા વડિલો નિવૃત્ત થાય એટલે ઘરની નાની નાની બાબતોમાં માથુ મારતા થાય છે. એમાંય વળી જો એ પરફેક્શનના આગ્રહી હોય તો બીજા ઘરવાળાનું આવી જ બન્યું. ક્યારેક જૂની પેઢીને નવી પેઢી સિદ્ધાંત કે ડિસિપ્લિન વિહોણી લાગે છે. એમની વાતમાં તો દમ હોય છે. પણ વાત કરવાની રીત હરદમ એગ્રેસીવ હોય છે. કાં તો પછી સાવ ઓશિયાળા બની જાય છે. આ દયાપાત્રતાની પાછળ ઇમોશનલ ટેકો મેળવવાની કે ધ્યાન કેન્દ્રિત કરવાની અચેતન ઇચ્છા સમાયેલી હોય છે. જે મહદ્અંશે વાજબી પણ હોય છે. પરંતુ એ લાગણીના પ્રદર્શનની રીત અન્ય પરિવારજનોને અકળાવે છે..
આનો સાયકોલોજીકલ હલ એ છે કે પોતાની વાત સમય આવ્યે તટસ્થ, શાંત, અને પ્રેમાળ રીતે અભિવ્યક્ત થઇ શકે તેવી ટેવ પાડવી જરૂરી છે. અને હા... મોટી ઉંમરે પણ જરૂરી હોય તેવી ટેવો ‘પ્રયત્નપૂર્વક' વિકસાવી જ શકાય. નવી ટૅકનોલોજી સાથે મિત્રતા બાંધવાની બનેલા ‘મોર્ડન' દાદા કે દાદી કદાચ વધારે સ્વીકૃતિ પામે છે. ફેસબુક કે વોટ્સઍપ હંમેશા ખરાબ જ હોય છે, એવું નથી. એ અનેક પ્રકારની ક્રિએટીવિટીને દર્શાવવાનું પ્લેટફોર્મ બની શકે છે. તમારા વિચારો કે અન્યના સુવાક્યો કદાચ બીજા કોઇને ‘ઓનલાઇન ઇન્સ્પાયર' કરી શકે. ખોરાકમાં પૂરતું ધ્યાન, ઓછું પણ પોષણયુક્ત ભોજન લેવું વગેરે ચવાઇ ગયેલી પણ જરૂરી બાબતો છે. સવાર-સાંજનું બ્રીસ્ક વાકિંગ મતલબ ઝડપથી ૪૫ થી ૫૫ મિનિટ ચાલવાથી ન્યુરોટ્રાન્સમીટર્સ પણ નિયંત્રણમાં રહે છે. જેથી મૂડ પણ મજાનો રહે છે. આ ઉંમરે અનેકવિધ લોકો અને પરિસ્થિતિઓને સ્વીકારી લેવાનું શાણપણ એક જુદા જ પ્રકારની શાંતિ અર્પે છે. તર્કહીન જડ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફથી આધ્યાત્મિક ચિંતન કે અન્ય પ્રગતિશીલ ફિલોસોફિકલ વિકાસાત્મક વિચારો તરફનું પ્રયાણ આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. યશવંતભાઇ હવે આવા જ કોઇ ‘સ્વ-પંથે' જવા રેડી છે..
Comments
Post a Comment