Health is the first step in life.
સોનોગ્રાફી
આ બાળક માટેની એક પ્રકારની તપાસ છે. જેમાં એક મશીનમાંથી અવાજનાં મોજા સગર્ભાબહેનના પેટમાંથી પસાર થઈને બાળક સુધી પહોંચે છે અને તેનાં પડઘાયેલાં મોજા એક પડદા પર ચિત્ર ઊભું કરે છે. આનાથી બાળકના શારીરિક બંધારણ ઉપરાંત હલચલ, હૃદયના ધબકારા, પાણીનું પ્રમાણ, ઓળની જગ્યા અને તેની ઉંમર, એક કરતાં વધુ બાળક હોવાં, બાળકોનાં શરીરની ખોડખાંપણ વગેરે જાણવા મળે છે.
ખાસ કરીને દરેક સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી એક વાર સોનોગ્રાફી થાય તો ગર્ભમાંનું બાળક બરાબર છે અને કોઈ ગંભીર પ્રકારની ખોડખાંપણ નથી તે જાણી લેવાય છે.
જો કોઈ બહેનને આગલી કસુવાવડ, અધૂરા મહિનાની પ્રસૂતિ, બાળકનું પેટમાં મૃત્યુ પામવું વગેરે પ્રકારની તકલીફો હોય તો પ્રથમ ત્રણ માસ દરમિયાન પણ એક વાર સોનોગ્રાફી કરાવવી હિતાવહ છે. ત્યારબાદ પાંચમા મહિને અને જરૂર પડયે (બાળક આડું કે ઊંધું હોય), અવિકસિત હોય, ગર્ભનું પાણી ઓછું થઈ રહ્યું હોય કે બાળકનું ફરકવાનું ઓછું થઈ ગયું હોય કે રક્તસ્ત્રાવ ચાલુ થઈ ગયો હોય તો પાછલા બે મહિનામાં સોનોગ્રાફી કરાવવાની જરૂર પડે છે.
એમ્નીઓસેન્ટેસીસઃ (ગર્ભમાંના પાણીની તપાસ)
કેટલીક સગર્ભા બહેનોનું લોહીનું ગ્રૂપ નેગેટિવ પ્રકારનું હોય, તેના પતિનું પોઝિટિવ પ્રકારનું હોય અને બાળકનું પણ પોઝિટિવ પ્રકારનું હોય અને આગલી પ્રસૂતિમાં જરૂરી પ્રકારનો ખ્યાલ ન રખાયો હોય તો બીજી કે તેના પછીની પ્રસૂતિમાં બાળકને અસર થઈ શકે છે. આ અસરની ગંભીરતા જાણવા માટે ગર્ભમાંનું પાણી સિરિંજ અને સોય મારફતે યોગ્ય જગ્યાએથી ખેંચીને તેની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે છે.
કોરડોસેન્ટેસીસ
ઉપરોક્ત બાળકને વધુ સઘન સારવારની જરૂર પડે તો તેની નાળની ધોરી નસોમાંથી લોહી બદલવાની ક્રિયા પણ કરી શકાય છે.
સગર્ભાવસ્થાની સામાન્ય તકલીફો
કમરનો દુખાવો થવો
સગર્ભાવસ્થાના અંદાજિત છ માસ બાદ ઘણી ગર્ભવતી સ્ત્રીઓને કમરનો દુખાવો રહેતો હોય છે. તે ખાસ કરીને બહેનોની અમુક પ્રકારની ચાલવાની અને ઊભા રહેવાની આદતને કારણે હોય છે.
ઊલટી-ઉબકા આવવા
આ તકલીફો શરૂઆતના ત્રણ મહિનામાં વધુ જોવા મળે છે. પહેલી સુવાવડમાં વધુ થાય છે. તેનું મુખ્ય કારણ નક્કી નથી પણ સગર્ભાવસ્થામાં વધતા અંતઃસ્ત્રાવોને કારણે હોઈ શકે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત માનસિક લાગણીઓ પણ તેમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી સગર્ભા બહેનોને જો માનસિક આધાર મળી રહે, થોડો ઘણો ખોરાકમાં ફેરફાર કરવામાં આવે, તો દવાઓની ભાગ્યે જ જરૂર પડે છે.
શ્વેતપ્રદર
સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન શ્વેતપ્રદર (દહીંના ફોદા જેવું કે પીળાશ પડતું પ્રવાહી)પડતું હોય છે. જો ચેપને કારણે હોય, તો તેની યોગ્ય દવા ડોકટરી તપાસ પછી લેવી જોઈએ.
પેટમાં બળતરા-ગેસ
સામાન્ય રીતે ચાર મહિનાની સગર્ભાવસ્થા બાદ ગર્ભાશય પેટમાં ઉપર આવતું હોવાથી આંતરડાઓમાં દબાણ આવે છે અને ખોરાક ઉપર ચડતો હોય તેવું લાગે છે. તેના માટે યોગ્ય આહાર, રાત્રે જમીને બે કલાક સુવાથી અને સાંજે થોડું ચાલવાથી સારું લાગે છે. આમ છતાં તકલીફ વધારે હોય તો ડોકટરી સલાહ લઈને દવાઓ લઈ શકાય.
Comments
Post a Comment